Tuesday 11 June 2019

નેપથ્ય :: वक्त का तकाजा है तूफां से जूझो...

તાજેતરમાં બનેલ કેટલીક ઘટનાઓ જેમ કે સુરતની આગ હોનારત,અલીગઢમાં માસૂમ દીકરી પર અમાનુષી અત્યાચાર હોય કે અંબાજીમાં થયેલ રોડ ઓવરલોડ વાહન અકસ્માત આ બધી જ દુર્ઘટનાઓમાં એક વાત સમાન છે એ છે સભ્ય સમાજનો આક્રોશ. સમગ્ર દેશ આવી ઘટનાઓ બાદ નિઃશબ્દ છે.આ તમામ બનાવો કે દુર્ઘટનાઓ બાદ જે રીતે ઇલેક્ટ્રિક મીડિયા,પ્રિન્ટ મીડિયા કે સોશિયલ મીડિયા પર એક સામાન્ય જનમત ઉભો થયો હતો કે આવી ઘટનાઓ પાછળ જવાબદાર લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ અને સરકાર દ્વારા તમામ જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એ દિશામાં વહીવટી તંત્ર આગળ વધી રહ્યું છે અને ભવિષ્યમાં પણ રહેશે જ..
આ તમામ ઘટનાઓની પાછળના જવાબદાર અધિકારીઓ કે જેઓએ તેમની જવાબદારી નિર્વહન કરવામાં ક્યાંક ચૂક કરી છે અથવા એવા હેવાનો કે જેઓએ નાની માસૂમ બાળકી પર હેવાનીયત ગુજારી છે એવા તમામને પકડીને તંત્ર દ્વારા એ દિશામાં ઘટતી તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે

આ દરમ્યાનમાં સમાજમાં વધતી જતી રહેલી આવી ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરનારાઓનો એક સમૂહ પ્રિન્ટ,ઇલેક્ટ્રિક અને સોશિયલ મીડિયામાં ચર્ચા કરી પોતાની જવાબદારી નિભાવી સંતોષ માની રહ્યો છે.
કહેવાતા બુદ્ધિજીવી લોકો પોતાના સલાહ સૂચનો આપવામાં વ્યસ્ત છે.જ્યારે કેટલાક મિત્રો જાહેર રસ્તા પર વિરોધ પ્રદર્શન કરીને કે કેન્ડલ લાઈટ માર્ચ કરીને કઈક કાર્યનો અહેસાસથી જવાબદારી નિભાવ્યો ભાવ વ્યક્ત કરી રહ્યા છે.આ બધી જ બાબતોથી એકવાત નક્કી છે કે આરોપીઓને એમની ભૂલની કડકમાં કડક સજા મળશે.

પરંતુ માત્ર આરોપીઓને કડક સજા કરીને અથવા બદલવાનો માત્ર દાવો કરવાથી જ શું આ હાલત સુધરશે? જવાબ હાજર જ છે , ના...

થોડા સમય પછી ફરી એ જ નિર્ભયા,સુરત,અલીગઢ કે અંબાજી જેવી ઘટનાઓ થશે અને આપણે સૌ પાછા એ જ ફ્લેશ બેકની વાતો કરીશું.સરકાર અને સિસ્ટમને દોષિત જાહેર કરીને , આપણે સૌ આપણી નૈતિક જવાબદારીઓથી પાછા ફરીશું.

સમયનો તકાજો છે કે આ તમામ પ્રકારની ઘટનાઓના મૂળ પર પ્રહાર કરવા માટે સરકાર,સમાજ અને સિસ્ટમ એક સાથે એક મંચ પર આવીને વધતી જતી આ બીમારીઓનો કારગર ઉપાય શોધે.સરકાર અને કાનૂન તો તેમનું કામ કરી જ રહ્યું છે અને આગળ પણ કરશે જ.પરંતુ સામે સમજવાની જરૂર છે કે માત્ર સજા કરવાથી જ સમાજ નહીં સુધરે.ફક્ત કાનૂન અને સજાથી જ અસર પડતી હોત તો સમાજ ક્યારનો ય અપરાધમુક્ત થઈ ગયો હોત....

હવે આ વાતને સમજવી જ નહીં પણ માનવી પડશે કે બદલાવ આવશે તો માત્ર ને માત્ર આપણી જાગૃતતા ,સાવધાની અને શિક્ષણથી. અને હા, આની શરૂઆત આપણે સૌએ આપણા ઘરથી જ કરવી પડશે.
એ પછી આગ હોનારત હોય કે રોડ અકસ્માત હોય કે પછી બળાત્કારની ઘટના હોય આ તમામ ઘટનાઓમાં આપણી જાગૃતતા,સાવધાની કે તકેદારી રાખવાથી કદાચ નિવારી શકાઈ હોત!!!

સુરતમાં વિદ્યાર્થીઓના વાલીઓની થોડી જાગૃતતા હોત કે અંબાજીમાં થયેલ રોડ અકસ્માતમાં ઓવરલોડ વાહનમાં બેસતા પેસેન્જરમાંથી કોઇ એકે તકેદારી રાખી હોત તો આ ઘટનાઓ બનતી અટકી શકી હોત.જ્યારે મળતી જાણકારી પ્રમાણે અલીગઢમાં થયેલ ભયાવહ ઘટનામાં પણ કઇંક આવું જ થયાનું જણાઈ રહ્યું છે.એ માસૂમ દીકરીના પિતાએ આરોપીઓને થોડા રૂપિયા ઉછીના આપ્યા હતા.એમાંથી બાકીનાં 10000 રૂપિયા પરત કરવાના હિસાબને લઈને થયેલી સામાન્ય બબાલને કારણે એનો બદલો લેવા હિંસક,ક્રૂર માનસિકતા ધરાવતા હેવાન દ્વારા માસૂમ બાળાને શિકાર બનાવવામાં આવી હતી.આવી ક્રૂર , હિંસક માનસિકતાને સભ્ય સમાજે ક્યારેય સાંખી લેવાની ના હોય અને એનો યોગ્ય પ્રતિકાર કરવો જ રહ્યો.

આ બધી જ સમસ્યાનો અભ્યાસ કરતા એક વાત જરૂર સમજાય છે કે બદલાવની શરૂઆત ફકતને ફક્ત આપણે અને આપણે જ કરવી પડશે. આ સમસ્યાનું મૂળ આપણાથી શરૂ થઈ આપણા પર જ પૂરું થાય છે.આવી બધી જ ઘટનાઓના કસુરવારોને કાયદાની અદાલતમાં સજા અપાવીને આપણે જો માત્ર સંતોષ માનીશું કે મન મનાવી લઈશું તો જેતે બનાવનો ઉકેલ આવશે પણ સમસ્યાનો ઉકેલ તો નહીં જ આવે.તો શું કરવું ?? , આપણે સૌએ નક્કી કરવું કે અબ બસ.
બસ હવે નહિ. નક્કી કરી લઈએ બસ હવે બહુ થયું.આપણે આગેવાની લઈને આપણી સામે થતી આવી બધી જ ઘટનાઓ કે સમસ્યાઓ જેમ કે સ્વચ્છતા થી સુરક્ષા સુધીની તમામ બાબતોમાં મારે શું? નો અભિગમ છોડીને સમાજ પ્રત્યેના આપણા કર્તવ્યનો વિચાર ચોક્કસ કરીએ.

થોડો સમય જરૂર લાગશે પણ આપણો વિચાર બદલીએ, દ્રષ્ટિકોણ બદલીએ તો આવનાર સમયમાં બદલાવ આવવો જ રહ્યો એ નક્કી જ છે.
અને જો હોતી હૈ ચલતી હૈ ની માનસિકતા રાખીને વિચારતા જ રહ્યા તો રાહત ઇન્દોરીનો આ શેર આપણા માટે જ છે.

"" लगेगी आग तो आएँगे घर कई ज़द में 
यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है ""

- કૃણાલ ભટ્ટ

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...