Tuesday 12 January 2021

રાષ્ટ્રીય યુવા દિન : ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજીનો જન્મદિન


૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને કર્મયોગી એવા યુગદૃષ્ટા સ્વામી વિવેકનંદજીનો જન્મદિન.

૧૨ જાન્યુઆરી , રાષ્ટ્રીય યુવા દિન. સન ૧૮૫૭માં  અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવા માટે જ્યારે આ દેશના અનેક યુવાન ક્રાંતિકારીઓ ઝઝૂમી રહ્યા હતા ત્યારે ૧૮૬૩માં કલકત્તામાં આજના દીને માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દતને ત્યાં જન્મેલા દિવ્ય મહામાનવ નરેન્દ્ર  જેમને સૌ સ્વામી વિવેકનંદજીના નામે જાણે છે.

બાળપણથી જ ધાર્મિક અને આધયાત્મિક વાતાવરણમાં મોટા થયેલ નરેન્દ્રમાં ત્યાગ અને માનવતા ગુણો વિકસ્યા હતા. તેમણે નાની વયે જ રામાયણ , મહાભારત,વેદ અને પુરાણોનો ગહન અભ્યાસ કર્યો હતો.

સંત રામકૃષ્ણ પરમહંસના સંપર્કથી એમની જીવન દ્રષ્ટિ બદલાઈ ગઈ.રામ કૃષ્ણ પરમહંસના તેઓ  શિષ્ય બની ગયા.માત્ર ૩૯ વર્ષની ટૂંકી જીવનયાત્રા દરમ્યાન એમણે કેટ કેટલું કાર્ય કરી બતાવ્યું ! હિંદુ ધર્મને જગતના અન્ય ધર્મોની હરોળમાં મુકીને વિશ્વ સમક્ષ હિંદુ ધર્મ,એના  સિધાંતો ,વેદાંત અને યોગ ઉપર પ્રવચનો કરીને આ વિષયના પ્રખર ચિંતક તરીકેની ખ્યાતિ  મેળવી. એમના ગુરુ રામ કૃષ્ણ પરમહંસ ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ના રોજ ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.એમની યાદગીરીમાં એમણે  રામકૃષ્ણ મિશનની અને રામકૃષ્ણ મઠની સ્થાપના કરી.આ બન્ને સંસ્થાઓ આજે પણ સક્રિય છે .

૧૧મી સપ્ટેમ્બર થી ૨૭મી સપ્ટેમ્બર ,૧૮૯૩ માં તેમણે શિકાગોની ધર્મપરિષદમાં ભારતનું પ્રતિનધિત્વ કર્યું હતું. ૧૧ મી સપ્ટેમ્બર ના રોજ
ધર્મ સંસદમાં આપેલું એમનું પ્રવચન આજે પણ હિન્દુ ધર્મ અંગે જગતને પરિચય કરાવનાર એક સીમાચિહ્ન રૂપ પ્રવચન તરીકે પ્રખ્યાત છે.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને  “અમેરિકાના ભાઈઓ અને બહેનો!” સાથે પ્રવચન શરૂ કર્યુ. આ શબ્દો માટે હોલમાં બેઠેલી ૭૦૦૦ની મેદનીએ ઉભા થઈને બે મીનીટ સુધી તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યુ . પોતાના આ વક્તવ્યમાં સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે આ રાષ્ટ્ર વિશે જણાવ્યુ કે  “વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા, વેદની સન્યાસી પરંપરા, ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શીખવ્યો છે.

આ પ્રવચનમાં તેમણે ભગવદ્ ગીતાના શ્લોકનો ઉલ્લેખ કર્યો હતો.જેમાં 
ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः।।4.11।।  અર્થાત્  જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે , તે પ્રમાણે જ હું તેમને ફળ આપુ છું.માટે હે પાર્થ સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે.

येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयाऽन्विताः।
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्।।9.23।। અર્થાત્ જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વક ની હોય છે.

આ વક્તવ્ય ટૂંકું હોવા છતાં, ગીતાનો સાર તથા વસુધૈવ કુટુમ્બકમની ખરા દિલની ભાવના તેમાં અભિવ્યક્ત થતી હતી અને એટલે જ આજે બધા એને યાદ કરે છે. અને ૧૧ મી સપ્ટેમ્બર ને દિગ્વિજય દિન તરીકે ઉજવાય છે.

  જુલાઈ ૪,૧૯૦૨ ના રોજ ૩૯ વર્ષની નાની વયે એમણે પ્રાણ ત્યાગ કર્યો.ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજીએ દેશના યુવાનોને જાગૃત કરવાનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

અંતમાં,  કઠોપનિષદના શ્લોક उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ અર્થાત્ ઉઠો જાગો ને જ્ઞાનીજનો પાસે જાવ અને તેમની પાસેથી બોધ કે જ્ઞાન મેળવો.આ જ્ઞાનનો માર્ગ  તીવ્ર છરીની ધારસમો  કઠિન છે  એવું ઋષીજનો કહે છે.

રાષ્ટ્રીય યુવા દિનની શુભેચ્છાઓ..

Photo: Re संस्कृत

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...