Saturday 4 May 2019

સંગ તેવો રંગ

એક માણસે મરઘીના બચ્ચાના માળામાં ગરુડનું ઈંડું મૂકી દીધું. ઈંડું એમાં પાકવા લાગ્યું અને થોડા સમય બાદ ગરુડના બચ્ચાનો જન્મ થયો. બચ્ચું પોતાને મરઘી સમજીને મોટું થવા લાગ્યું. મરઘીનાં બીજાં બચ્ચાં જેમ કરે તેમ એ પણ કરવા માંડ્યું. મરઘીનાં બચ્ચાં વધારે ઊડી નહોતાં શકતાં એટલે એ પણ વધારે ઊંચે નહોતું ઊડતું.


ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો. ગરુડનું બચ્ચું મરઘીના બચ્ચા સાથે રહીને એમના જેવું જ બની ગયું હતું. એક દિવસ એ મરઘીના બચ્ચા સાથે જંગલમાં ફરવા નીકળ્યું હતું. એણે જોયું કે આકાશમાં એક ગરુડ અદ્ભુત ઉડાન કરી રહ્યું હતું. એને સડસડાટ ઊંચે ઊડતું જોઈને એણે સાથેના મરઘીના બચ્ચાને પૂછ્યું, ‘અરે વાહ, આ પક્ષી તો જોરદાર ઊડે છે. આપણે પણ એવું ઊડવું હોય તો શું કરવું પડે ? એ પક્ષીનું નામ શું છે ?’


મરઘીના બચ્ચાએ જવાબ આપ્યો, ‘છાનુંમાનું બેસ, તું એના જેવું કદી ના ઊડી શકે. એ તો ગરુડ છે અને તું મરઘીનું બચ્ચું.
તું તારી હેસિયતમાં રહે. ગરુડના વાદ ના કરાય તારાથી.’
ગરુડના બચ્ચાને જે જવાબ મળ્યો તે એણે ગાંઠે બાંધી દીધો અને પોતાની સાચી ઓળખ ના થવાને લીધે આખી જિંદગી મરઘીના બચ્ચા તરીકે જ વિતાવી દીધી. એ મરઘીના બચ્ચા તરીકે જ જીવ્યું અને મરઘીના બચ્ચા તરીકે જ મર્યું.


માટે યાદ રાખો કે માણસના જીવનનો આધાર એના સોબતીઓ પર પણ રહેલો છે. એ કોની સાથે બેસે છે, કોની સાથે ફરે છે, કોની સાથે કામ કરે છે વગેરે ઉપર એના સમગ્ર જીવનના મૂલ્યનો આધાર રહેલો છે. માટે સોબત સારી રાખશો તો જીવન પણ સારું જ વીતશે અને ઊંચી ઉડાન પણ ભરાશે.

રાજાઓની નબળાઇ

અકબરના દરબારમાં બિરબલ એક ઝગમગતી પાઘડી લઇને દાખલ થયો. અકબરને ગમી ગઇ. પૂછયું 'પાઘડીની શું કિંમત છે?'
'૫૦૦ સોનામહોર હજૂર' બિરબલે કહ્યું.
અબુલ ફઝલે અકબરના કાનમાં કહ્યું 'ગમે તેટલી સરસ હોય, પણ પાઘડીની કંઇ આટલી બધી કિંમત હોય? મૂરખ બનાવે છે!'
બિરબલને અકબરે કહ્યું 'આટલી મોંઘી?' મુસ્કુરાઇને બિરબલે કહ્યું 'નામદાર, મને ખબર છે પણ આખી દુનિયામાં આપ જ એક શહેનશાહ છે, જેની તાકાત છે કે આ કિંમતે પાઘડી ખરીદી શકે!'
અકબરે ખુશ થઇ હજાર સોનામહોરમાં પાઘડી લઇ લીધી. 
બિરબલે અબુલ ફઝલના કાનમાં કહ્યું 'તમને પાઘડીની કિંમત ખબર હશે, પણ મને રાજાઓની નબળાઇ ખબર છે!'

#નેપથ્ય : ધીરજ - લાખ દુઃખો કી એક દવા

ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહિ પણ રાહ જોતી વખતે સ્વભાવ પર કાબુ રાખવાની ક્ષમતા.
લલાટે રેખાઓને ઘસવી પડી છે, ઘણી વેળાઓને હસવી પડી છે,
ચકાસી છે ઘણી ધીરજ ધરીને, ઘણી આશાઓને કસવી પડી છે. - સાબિર પટવા
ધીરજ,ધૈર્ય, Patience એ વર્તમાન સમયમાં સૌથી આવશ્યક ગુણ છે.સતયુગ થી લઈને હાલના ડીઝીટલ યુગ દરમ્યાન ધીરજ નું સવિશેષ મહત્વ રહ્યું છે.આપણા બધા જ ધર્મગ્રંથોમાં આ અંગે વિસ્તાર પૂર્વક ઉલ્લેખ કરાયો છે.જિંદગી જીવવાની જડીબુટ્ટી છે ધીરજ.
આપણે સૌએ જીવનમાં કપરા સમયનો અનુભવ કર્યો હશે આવા સમયે કોઈ એકમાત્ર પ્રેરકબળ હોય તો એ છે ધૈર્ય.સારા કે ખરાબ સમયે,માન-અપમાન, પદ-પ્રતિષ્ઠા, યશ -કીર્તિ કે આર્થિક ,સામાજિક તથા રાજકીય ક્ષેત્રે દરેક જગ્યાએ ધીરજ એ ચાલકબળ છે.એ સતત આપણને આપણી જાત સાથે સંઘર્ષ કરવાનું શીખવે છે.
મહાભારત,રામાયણ થી લઈને પંચતંત્રની વાર્તાઓ દ્વારા આપણે ધીરજ ધરવાનું મહત્વ જાણી શકીએ છીએ.જીવનના નબળા સમયે કેવી રીતે ટકી રહેવું એ આપણને આ કથાઓ દ્વારા સમજાવવામાં આવ્યું છે.આ ઉપરાંત આપણી આસપાસ એવા કેટલાય ઉદાહરણો મોજુદ છે જે સતત ધીરજ નુ જીવનમાં કેટલું મહત્વ છે તે સમજાવે છે.જેમ કે કરોળિયો .
કરોળિયો એ પોતાનું જાળું બનાવતા બનાવતા અનેકવાર નિષ્ફળ જાય છે પરંતુ તે પોતાનો પ્રયાસ હાર્યા કે થાક્યાં વગર સતત ચાલુજ રાખે છે , શરૂ કરેલું કાર્ય કોઈપણ ભોગે સફળતાપૂર્વક પૂર્ણ થાય એ માટે સતત મથામણ કરે જ રાખે છે અને અંતે એ પોતાનું જાળું તૈયાર કરી જ દે છે.એમ આપણે પણ નાની મોટી નિષ્ફળતાઓ કે પાછડાટો પછી સતત સાચી દીશામાં મથામળ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે.
ધીરજ કે ધૈર્ય એ કાર્યસિદ્ધિ માટે અત્યંત આવશ્યક પરિબળ છે.કોઈપણ કાર્યના આરંભ પછી તે પૂર્ણ થાય ત્યાં સુધી ધીરજ જાળવવી જરૂરી છે.જો એકવાર ધીરજ ધરીને કાર્યને અનુષ્ઠાન સમજીને કરવામાં આવે તો કાર્યફળ ચોક્કસ સંતોષકારક જ રહેશે.કોઈપણ કાર્ય માટે જેટલી આવશ્યકતા નિષ્ઠાની છે તેટલી જ ધીરજની પણ છે.કેમ કે ધીરજ એ આપણને અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સતત પ્રેરણા પુરી પાડે છે .અથાક યત્ન માટે ધીરજ અતિ આવશ્યક છે.જે આપણને કાર્ય સફળતા સુધી દોરી જાય છે માટેજ આપણે ત્યાં એ કહેવત છે કે ઉતાવળ સો બાવરા , ધીરા સો ગંભીર.
ધીરજ નબળી વ્યક્તિને બળ પૂરું પાડે છે.જ્યારે અધિરાઈથી આપણી શકિત વ્યર્થ જાય છે.ધીરજ એ ધર્મનું લક્ષણ છે. જીવનરૂપી તપમાં તપવા માટે ધીરજ એ બળ પૂરું પાડે છે.આપણે સૌ જાણીએ છીએ કે સમય એ સતત બદલાતો રહે છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ ચક્ર નકકી છે એમ કોઈ સફળતા કે નિષ્ફળતા એ કાયમી નથી. એ સતત બદલાતી જ રહે છે. જેમ અજવાળા પછી અંધકારને અને અંધકાર પછી અજવાળું એ ચોક્કસ છે એમ જ ખરાબ સમય કે સ્થિતિ પછી સારો સમય કે સ્થિતિ આવે જ છે પણ જરૂરી છે ત્યાં સુધી મથવાની અને રાહ જોવાની.ક્યારેય સૂર્ય સતત પ્રકાશિત રહયો નથી ને ક્યારેય ચંદ્રની શીતળતા. એ જીવનનું અંતિમ સત્ય છે.માટે જ કહેવાયું છે કે ધીરજના ફળ મીઠા. આ માટે ફક્ત જરૂરી છે અજવાળાં ની રાહ જોઈને જીવનના અંધકાર ના સમયે સખત પરિશ્રમ કરવો. એ જ પ્રગતિની નિશાની છે.જેમ અજવાળું કાયમી નથી એમ અંધકાર પણ અંતિમ નથી એ યાદ રાખીને બસ સતત મંડ્યા રહેવું એ જ પ્રગતિનો આધાર છે.
આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની,
બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની.
આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની,
બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.
આવડત તો છે સૌ કોઇ માં ખુબ સારું બોલવાની
બસ નથી, તો માત્ર ધીરજ કોઇને બોલતા સાંભળવાની.
આવડત તો છે સૌ કોઇ માં ઉપદેશ આપવાની
બસ નથી, તો માત્ર ધીરજ હાર ને સ્વીકારવાની.
આવડત તો છે સૌ કોઇ માં પ્રભુ ને મળવાની
બસ નથી, તો માત્ર ધીરજ જાત ને જાણવાની.
આવડત તો છે સૌ કોઇ માં જિંદગી ને જીવવાની
બસ નથી, તો માત્ર ધીરજ મોત ને મોડી મળવાની.
-અજ્ઞાત
-- કૃણાલ ભટ્ટ

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...