Thursday 25 November 2021

દશા મારી અનોખો લય - અમૃત ઘાયલ

દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!

નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!

નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.

ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.

જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર “ઘાયલ”નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!

– અમૃત “ઘાયલ”

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...