Saturday 14 May 2022

દાસી જીવણના ભજન

એવા દોરંગા ભેળાં રે નવ બેસીએ
એ જી એમાં પત રે પોતાની જાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં ચેલકા રે જી,
ઘડીમાં પીર રે થઈને પૂજાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીકમાં રંગ ચડે, ઘડીકમાં ઊતરે રે જી,
અને ઘડીકમાં ફટકિયાં થઈને ફૂલાય રે હાં..
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
ઘડીક ઘોડે ને ઘડીક પેગડે રે જી,
ઘડીમાં વાટુંના વેરાગી બની જાય રે હાં …
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
કામી, ક્રોધી ને લોભી, લાલચુ રે,
એ જી ઈ તો પારકે દુઃખે ન દુખાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦
દાસી રે જીવણને ભીમ ગુરુ ભેટિયા રે જી,
ગુરુ મળ્યે લખ રે ચોરાશી ટળી જાય રે હાં…
એવા દોરંગા ભેળા રે નવ બેસીએ….૦

Sunday 8 May 2022

પુરુષાર્થ કરીએ, તેવી પ્રાપ્તિ થાય

એક યુવાન ધન-સંપત્તિ અને ઐશ્વર્ય મેળવવા સતત પ્રયત્ન કરતો હતો. એક દિવસ તેને વાત જાણવા મળી કે, જંગલમાં એક સંન્યાસી રહે છે અને સંન્યાસી પાસે ઈચ્છાકુંભ છે. માણસ જે ઈચ્છા કરે તેને પૂર્તિ એ કુંભ દ્વારા થાય છે. તેથી આ યુવાન આ સંન્યાસીને શોધવા માટે ચારે તરફ નીકળી ગયો.

બે મહિનાના અંતે જંગલમાં એક ઝુંપડીમાં સંન્યાસીને બેઠેલા જોયા. પહેલા તો યુવાનને એવું લાગ્યું કે આ એ સંન્યાસી નથી જેની પાસે ઈચ્છાકુંભ છે. કારણ કે જેની પાસે ઈચ્છાકુંભ હોય એ આવી ઝૂંપડીમાં થોડા રહે? પણ જેમ જેમ સંન્યાસી સાથે વાત આગળ વધતી ગઈ તેમ તેમ વિશ્વાસ આવતો ગયો કે, કદાચ આ એ જ સંન્યાસી છે જેને શોધવા તે ભટકી રહ્યો હતો.

યુવાને એ સંન્યાસીને પ્રશ્ન કર્યો કે, ''મહાત્માજી, આપની પાસે ઈચ્છાકુંભ છે?''

સંન્યાસીએ કહ્યું, ''હા, છે.''

તેથી યુવાન ત્યાં જ રોકાઈ ગયો અને તેમની દરેક પ્રકારની સેવા કરવા લાગ્યો.

એક દિવસ સંન્યાસીએ રાજી થઈને યુવાનને કંઈક માંગવાનું કહ્યું.

યુવાને તો ઈચ્છાકુંભ માંગ્યો.

સંન્યાસીએ કહ્યું, ''બેટા, મારી પાસે ઈચ્છાકુંભ બનાવવાની વિદ્યા પણ છે. આ બંનેમાંથી તારે શું જોઈએ છે?''

યુવાને વિચાર્યું કે, વિદ્યા શીખીને પછી ઈચ્છાકુંભ બનાવવો પડશે, એનાં કરતાં ઈચ્છાકુંભ માંગી લેવો સારો છે, એમ વિચારી તેણે તે સંન્યાસી પાસે ઈચ્છાકુંભ જ તૈયાર હતો તે માંગી લીધો.

સંન્યાસી ઝુંપડીમાં ગયા અને એક માટીનો કુંભ લાવીને આ યુવાનને આપ્યો.

યુવાને ખાતરી કરવા ઈચ્છાકુંભ પાસેથી દૂધનો ગ્લાસ માંગ્યો. તરત જ દૂધ એને પ્રાપ્ત થઈ ગયું.

યુવાનના આનંદનો પાર ન રહ્યો. એને તો જે જોઈતું હતું તે મળી ગયું. સંન્યાસીને વંદન કરીને, કુંભને પોતાની સાથે લઈને ચાલતો થયો. થોડો આગળ ગયો ત્યાં એના પગમાં ઠેસ વાગી. હાથમાંથી ઘડો નીચે પડી ગયો અને ફૂટી ગયો. યુવાન તો રડતો રડતો સંન્યાસી પાસે પાછો આવ્યો પણ હવે ત્યાં તો કોઈ ઝુંપડી પણ ન હતી અને સંન્યાસી પણ ન હતા.

આપણે પણ આ યુવાન જેવા જ છીએ. ઈચ્છાકુંભ બનાવવાની વિદ્યા શીખવાના બદલે સીધો જ ઈચ્છાકુંભ મેળવવાનો ટૂંકો રસ્તો પસંદ કરીએ છીએ. સંપત્તિ મેળવવાને બદલે સંપત્તિ મેળવવાની વિદ્યા શીખવી વધુ જરૂરી છે, કારણ કે મળેલી સંપત્તિ તો ગમે ત્યારે જતી રહેશે પણ સંપત્તિ મેળવવાની વિદ્યા આવડતી હશે તો સંપત્તિ ફરીથી આવશે.

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...