Friday 5 August 2022

ક્રોધ

એકવાર શ્રીકૃષ્ણ બલરામ અને કૃષ્ણનો સારથિ સાત્યકિ ગાઢ જંગલમાં ભૂલા પડયા. સાંજ પડી ગઈ હતી. રાત્રિનો અંધકાર ફેલાઈ ગયો હતો. ત્રણેય થાકી ગયા હતા. એમણે એક વિશાળ વૃક્ષ નીચે રાત પસાર કરવાનો નિશ્ચય કર્યો. અને નક્કી કર્યું કે બે જણ આરામ કરશે અને એક જણ રક્ષા કરશે. પહેલો પ્રહર વીતી ગયો હતો. શ્રીકૃષ્ણ અને બલરામ ઊંઘી ગયા ત્યારે સાત્યકિએ રક્ષણની જવાબદારી લીધી. અંધકાર ઘેરાતો હતો. તમરાં બોલતાં હતાં. થોડીવારે સાત્યિક સામે એક પિશાચ (અવગતિયો જીવ, પ્રેત) પ્રગટ થયો. તેણે અટ્ટહાસ્ય કરીને સાત્યકિનું ભક્ષણ કરવા હુમલો કર્યો. જો કે સાત્યકિ તૈયાર હતો. પણ તે જેટલો વધારે ક્રોધ કરીને પિશાચને ભીડવા પ્રયત્ન કરતો એટલો એનો આકાર વધતો જતો. એની તાકાત વધતી જતી. પિશાચ સાત્યકિને ઘાયલ કરીને અચાનક અદૃશ્ય થઈ ગયો. ત્યાર પછી બલરામજીનો વારો આવ્યો. બલરામજીનો સ્વભાવ આમેય ગુસ્સાવાળો હતો. એમની સામેય પિશાચ પ્રગટ થયો અને એમનું ભક્ષણ કરવા હુમલો કર્યો. બલરામજી સાથે પિશાચ બરાબર ઝૂઝવા લાગ્યો. બલરામનો ક્રોધ વધી ગયો. પણ જેમ જેમ ક્રોધ વધતો ગયો એમ એમ પિશાચનું કદ અને બળ વધવા લાગ્યું. બલરામજીના શરીરે ઉઝરડા પાડીને પિશાચ ફરી અદૃશ્ય થઈ ગયો. છેલ્લા પ્રહરમાં છેવટે શ્રીકૃષ્ણનો વારો આવ્યો. શ્રીકૃષ્ણની સામે પણ પિશાચ ભયંકર રૂપ ધારણ કરીને પ્રત્યક્ષ થયો. ઘેરા અવાજથી ડરાવવા લાગ્યો. 'થોડીક જ રાત બાકી છે. હવે હું તને મારીને તારૂં ભક્ષણ કરીશ. 'પિશાચ લડવા ઉતાવળો થતો હતો. જ્યારે શ્રીકૃષ્ણ શાંત હતા. મર્માળુ હસતા હતા. 'એમ ! તું તો ઘણો બહાદુર લાગે છે, તારામાં ઉત્સાહ પણ ગજબનો છે. 'શ્રીકૃષ્ણએ ગુસ્સે થયા વગર સહજ રીતે તેની સાથે વાત શરૂ કરી. પિશાચ જોતો જ રહ્યો. તેણે હિંમત કરી શ્રીકૃષ્ણને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો પણ શ્રીકૃષ્ણમાં રતીભાર ક્રોધ ના આવ્યો. હવે જેમ જેમ સમય પસાર થયો એમ એમ પિશાચનું કદ અને બળ ઘટવા લાગ્યું. પિશાચ ઘટી ઘટીને છેવટે એક મંકોડા જેટલો નાનો કીડો થઈ ગયો. શ્રીકૃષ્ણએ એને લૂગડાના કકડામાં બાંધી દીધો. સવાર થઈ. સાત્યકિ અને બલરામે રાત્રે પિશાચ સાથે બનેલી ઘટનાની વાત કરી. ત્યારે શ્રીકૃષ્ણએ લૂગડાની ગાંઠ છોડીને કહ્યું: 'જુઓ આ રહ્યો એ પિશાચ ! તમે બન્ને એને ઓળખી જ ના શક્યા. આ ક્રોધ છે. જેમ જેમ તમે ક્રોધ કરતા ગયા એમ એમ એ વધતો ગયો. આ જ ક્રોધનું સ્વરૂપ છે. જ્યારે ક્રોધ આવે ત્યારે માણસ તેના મૂળ સ્વરૂપમાં શાંત રહે તો ક્રોધનું સ્વરૂપ સાવ ક્ષુલ્લક થઈ જાય છે.

No comments:

Post a Comment

યુવા દિન....

#રાષ્ટ્રીય_યુવા_દિન.  ધર્મ ધુરંધર સ્વામી વિવેકાનંદજી ૧૪ મી જાન્યુઆરી, પતંગોત્સવ ના  પહેલા ૧૨ મી જાન્યુઆરી એ ધર્મોત્સવ.ઓજસ્વી , તેજસ્વી અને ક...